મસ્કતથી યૉટ લઇને માદરે વતન માંડવી આવ્યા કચ્છીમાંડુ

Header Banner

મસ્કતથી યૉટ લઇને માદરે વતન માંડવી આવ્યા કચ્છીમાંડુ

  Thu Jan 12, 2017 16:17        Gujarati

ગુજરાતી ભલે દુનિયાના કોઇપણ ખૂણે વસતો હોય પરંતુ પોતાના વતન પ્રત્યેનો પ્રેમ અકબંધ હોય છે. તેમાંથી એક કચ્છી તો સદીઓથી દેશ-વિદેશનો પ્રવાસ ખેડતા રહ્યાં છે. છતાં તેમનો વતન પ્રેમ છલકાય છે. આજથી 150
વર્ષ પહેલા ઓમાન જઈ વસેલો આવો જ એક કચ્છી પરિવાર હાલ પોતાના માદરે વતન આવ્યો છે. આ કચ્છી પરિવારનો પ્રવાસ ખાસ હતો. કારણકે, તે વિમાનથી નહીં, પરંતુ પોતાની યૉટ ‘લેલા’ પર સવાર થઈ ઓમાનથી
કચ્છ આવ્યો છે. ઓમાનના બિઝનેસ ટાયકૂન કનકસી ગોકળદાસ ખિમજી અને તેમનો પરિવાર ગુરુવારે માંડવી આવી પહોંચ્યા હતા, તે દિવસ તેમના માટે ઐતિહાસિક હતો. કારણકે, આજથી બરાબર 150 વર્ષ પહેલા તેમના
દાદા રામદાસ ઠાકરસી માંડવીથી મસ્કત ગયા હતા, જ્યાં તેમણે ખિમજી રામદાસ ગ્રુપની સ્થાપના કરી હતી. 78 વર્ષના કનકસીએ 9મી જાન્યુઆરીએ દરિયાઈ માર્ગે મસ્કતથી પોતાના વતન માંડવી આવવા પોતાના પરિવાર
સાથે ઐતિહાસિક પ્રવાસ શરૂ કર્યો હતો.

કનકસી ખિમજીએ જણાવ્યું હતું કે, દરિયાઈ માર્ગે માંડવી આવવાની મને ઘણા સમયથી ઈચ્છા હતી. હાલમાં જ અમે દુબઈથી મસ્કત દરિયાઈ પ્રવાસ કર્યો હતો. 30 કલાકના તે પ્રવાસને અમે ખૂબ માણ્યો હતો. તે જ વખતે મને
માંડવી દરિયાઈ માર્ગે આવવાનો વિચાર આવ્યો હતો, અને મને ખબર હતી કે એક દિવસ હું ચોક્કસ દરિયો ખેડી માંડવી જઈશ.

પોતાની 55 ફુટ લાંબી યોટ લૈલામાં 9મી જાન્યુઆરીના દિવસે સવારે 10 વાગ્યે કનકસીનો પરિવાર માંડવી આવવા રવાના થયો હતો. તેમની સાથે તેમના પત્ની કલ્પનાબેન, નાનો દીકરો નૈલેશ, પિતરાઈ ભાઈઓ અનિ ખિમજી, મહેશ લાટવાલા અને ભત્રીજો આશિષ સંપત તેમજ બે ક્રુ મેમ્બર પણ સવાર હતા. નવ નોટિકલ માઈલ પ્રતિ કલાકની ઝડપે તેમણે 610 નોટિકલ માઈલ્સનું અંતર ત્રણ દિવસમાં કાપ્યું હતું.

અનિલ ખિમજીએ આજથી 45 વર્ષ પહેલા દરિયાઈ માર્ગે ભારત અને ઓમાન વચ્ચે મુસાફરી કરી હતી. તેમના બાળપણના સમયમાં બંને દેશો વચ્ચે આવવા-જવા માટે આ જ એક વિકલ્પ હતો. તે દિવસોને યાદ કરતા તેમણે
કહ્યું હતું કે, ‘જો હવામાન ખરાબ હોય તો ઓમાન પહોંચવામાં ચારથી પાંચ દિવસ થઈ જતા. અમે બોટના ડેક પર જ સૂઈ જતા હતા. પાણી અને ખોરાકની પણ તંગી રહેતી.’

પિતા રામદાસભાની સૂઝબૂઝ અને અનુભવના બળે (પુત્ર) ખીમજીભાઇએ ઇ.સ. 1870માં મસ્કત ખાતે સૌ પ્રથમ પેઢી (ખીમજી રામદાસ)નો આરંભ કરીને પરદેશમાં ઠરીઠામ થયા. અત્યારે ત્રણ હજાર કરતાંય વધુ કર્મચારીઓને
નોકરી આપી છે. સમયાંતરે ખીમજી પરિવારની શાખ અને સખાવતને લીધે ધંધાકીય સામ્રાજ્ય વિસ્તરતું રહ્યું છે. ખીમજી રામદાસ, જમનાદાસ ખીમજી, અલ-તુર્કી જેવા મોટા ગજાના સાહસો આ પરિવારના છે. ખિમજી રામદાસ
ગ્રુપનો બિઝનેસ વિવિધ પ્રોજેક્ટ્સ, લોજિસ્ટિક્સ, કન્ઝ્યુમર કેર, લાઈફસ્ટાઈલ અને ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર જેવા ક્ષેત્રોમાં ફેલાયેલો છે.


   Muscat Yach,Madre homeland