ભાજપે પંજાબ અને ગોવા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી કરી જાહેર

Header Banner

ભાજપે પંજાબ અને ગોવા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી કરી જાહેર

  Thu Jan 12, 2017 16:15        Gujarati

ભાજપે પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભાની ચૂંટણીને અંતિમ સ્વરૂપ આપવાનું શરૂ કરી દીધુ છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ બુધવારે પંજાબ અને ગોવાની વિધાનસભાની ચૂંટણીઓ માટે પાર્ટીના ઉમેદવારોને અંતિમ સ્વરૂપ આપવા માટે બુધવારે રાતે બેઠક યોજી હતી. ભાજપ દ્વારા આજે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી. નેતા જે.પી.નડ્ડાએ ગોવા અને પંજાબ માટે ઉમેદવારોની પહેલી યાદી જારી કરી. પંજાબ માટે પહેલી યાદીમાં 17 અને ગોવા માટે 29 ઉમેદવારોના નામોની જાહેરાત કરાઈ.ભાજપે આ સાથે પંજાબની અમૃતસર લોકસભા બેઠક માટેની પેટાચૂંટણીના ઉમેદવારના નામની પણ જાહેરાત કરી. આ બેઠક પરથી ભાજપ તરફથી રાજેન્દ્ર મોહન ચીના ચૂંટણી લડશે. કેપ્ટન અમરિન્દર સિંહના રાજીનામાથી આ બેઠક ખાલી થઈ હતી.

પંજાબમાં 23 બેઠકો પર ચૂંટણી લડશે ભાજપ 

પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે પહેલી યાદીમાં 17 ઉમેદવારોના નામ જાહેર કર્યાં. ભાજપ રાજ્યમાં 23 બેઠકો પર ચૂંટણી લડશે અને અન્ય બેઠકો પરથી સહયોગી પક્ષ અકાલી દળ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારશે. ગોવા અને પંજાબ રાજ્યોમાં ચાર ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન યોજાનાર છે. રાજ્ય વિધાનસભામાં કુલ 117 બેઠકો છે.

અનેક ઉમેદવારોને લઈને દુવિધામાં છે ભાજપ

સૂત્રોના જણાવ્યાં મુજબ પંજાબ માટે જાહેર થયેલા 17 નામોમાંથી 6 વર્તમાન વિધાનસભ્યો છે. બે ઉમેદવારો 75 વર્ષથી ઉપર છે. પક્ષ તેમને ટિકિટ આપવાના મૂડમાં નહતો. રાજેન્દ્ર કાલિયા અને અનિલ જોશી પાર્ટીના વરિષ્ઠ એમએલએ છે અને તેમની ટિકિટોને લઈને ફેંસલો હજુ પેન્ડિંગ છે. પાર્ટી આ નામોને લઈને દુવિધામાં છે.

ગોવા માટે પણ પહેલી યાદી જારી

ગોવાની 40 બેઠકોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ મોટાભાગની બેઠકો પરથી ચૂંટણી લડશે અને કેટલીક બેઠકો સહયોગીઓ માટે બાકી રાખશે. પહેલી યાદીમાં ભાજપે 29 નામોની જાહેરાત કરી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ગોવામાં ભાજપ મુખ્યમંત્રી લક્ષ્મીકાંત પારસેકરને મુખ્યમંત્રી ઉમેદવાર તરીકે રજુ કરવા માટે તૈયાર હોય તેવું લાગતું નથી. નડ્ડાએ ઉમેદવારોની જે પહેલી યાદી જારી કરી તે વખતે આ મુદ્દે સીધે સીધો કોઈ જવાબ આપ્યો નથી પરંતુ કહ્યું કે પક્ષનું સંસદીય બોર્ડ આ અંગે ફેંસલો કરશે. 

પ્રકાશ સિંહ બાદલે લાંબી બેઠક પરથી ભર્યું નામાંકન

પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે આજે લાંબી વિધાનસભા સીટ પરથી પોતાનું નામાંકન દાખલ કર્યું.

પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમિતિ ઉત્તર પ્રદેશના મહત્વપૂર્ણ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામ નક્કી કરવા માટે 15 જાન્યુઆરીના રોજ બેઠક કરી શકે છે. રાજકીય રીતે મહત્વ એવા ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર અને પંજાબમાં ચાર ફેબ્રુઆરીથી લઈને 8મી માર્ચ સુધી વિધાનસભા ચૂંટણી યોજનારી છે. આ તમામ રાજ્યોમાં મતગણતરી એકસાથે 11મી માર્ચના રોજ હાથ ધરાશે.

 

 


   Congress declared, first list of candidates ,assembly elections in Punjab and Goa