રાજકોટ ડબલ મર્ડર કેસમાં PI-PSI સહિત 5 પોલીસ કર્મીની ધરપકડ, પોલીસ સમર્થનમાં રેલી

Header Banner

રાજકોટ ડબલ મર્ડર કેસમાં PI-PSI સહિત 5 પોલીસ કર્મીની ધરપકડ, પોલીસ સમર્થનમાં રેલી

  Thu Jan 12, 2017 16:12        Gujarati

રાજકોટના નામચીન શક્તિ ઉર્ફે પેંડો અને ધ્રાંગધ્રાના પટેલ યુવાન પ્રકાશ લુણાગરીયાની હત્યાના કેસમાં થોરાળા પોલીસ સ્ટેશનના સુખવિંદરસિંહ ગડ્ડુ, પીએસઆઇ એસ. બી. સોલંકી અને કોન્સ્ટેબલ અનિલસિંહ ગોહિલ, ચેતનસિંહ ગોહિલ અને હિતેશ પરમાર સહિત પાંચ પોલીસ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પાંચેયની ધરપકડ કરી છે. ત્યારે બીજીબાજુ રાજકોટવાસીઓ પોલીસના સમર્થનમાં આગળ આવ્યા છે અને રેસકોર્સ પાસે પોલીસ સમર્થનમાં રેલી નીકળી છે.

ડબલ મર્ડર કેસ મામલે ACP M.J. સોલંકીએ પત્રકાર પરિષદ યોજી
સોલંકીએ પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું હતું કે ફરિયાદીને પોલીસ કર્મીઓની ઓળખ પરેડ કરાવવામાં આવેલ. સ્થળ પરથી મળેલા સીસીટીવીમાં પોલીસના હાથે મહત્વની કડી લાગી હતી. PI એચ.એન.ગડુની ટીમ પ્રકાશને સિવિલ સારવાર માટે લઈ ગઈ હતી. પોલીસ કર્મીઓ સામે મરનાર બંનેને માર મારી હત્યા કરવા, ખોટા પુરાવા ઉભા કરવા અને પુરાવાનો નાશ કરવાનો ગુનો દાખલ કરી ધરપકડ કરાઈ. 15થી વધુ લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા. પાંચેય પોલીસ કર્મીને અલગ-અલગ રાખી પૂછપરછ કરાશે. કોર્ટમાં 10 દિવસના રિમાન્ડ માગવામાં આવશે. 

પોલીસ સમર્થનમાં રેલી
શક્તિ અને પ્રકાશની હત્યામાં પોલીસની સંડોવણીને લઇને આજે રાજકોટના લોકોએ પોલીસના સમર્થનમાં રેલી કાઢી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. લોકોએ પોલીસનો સાથ સમાજનો વિકાસ એવા નારા લગાવ્યા હતા. પોલીસના સમર્થનમાં નીકળેલી રેલીનું પોલીસ કમિશનર કચેરીએ સમાપન કરવામાં આવ્યું હતું.

પ્રકાશના પિતા અને શક્તિની માતાએ એકાઉન્ટર થયાના આક્ષેપો કર્યા હતા
1 જાન્યુઆરીની રાત્રીએ લૂંટની ભાગબટાઇમાં શક્તિ અને પ્રકાશની ગેંગમાં સામસામી મારામારી થઇ હતી. જેમાં બન્નેના મોત નિપજ્યા હતા. પરંતુ શક્તિની માતા નીતાબેન અને પ્રકાશના પિતાએ એકાઉન્ટર થયાના આક્ષેપો કર્યા હતા. પ્રકાશના પિતા સહિત પરિવારજનોએ સિવિલ હોસ્પિટલમાં ધરણા પર બેસી લાશ સ્વીકારવાનો ઇન્કાર પણ કરી દીધો હતો. બાદમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તપાસની ખાત્રી આપ્યા બાદ જ લાશ સ્વીકારાઇ હતી.

અમને રાજકોટ પોલીસમાં ભરોસો નથી તપાસ સી.બી.આઈને સોંપો: મૃતકના પિતા
ડબલ મર્ડરનો મામલો જેમ જેમ દિવસો વીતી રહ્યા છે તેમ તેમ પેચીંદો બનવા તરફ જઈ રહ્યો છે. બેવડી હત્યામાં જીવ ગુમાવનારા પાટીદાર યુવક પ્રકાશ લુણાગરીયાના પિતા દેવરાજભાઈએ રાજકોટની અદાલતમાં અરજી કર્યા સાથે એવો આક્ષેપ કર્યો છે કે હાલ રાજકોટ પોલીસ તપાસ ચલાવી રહી છે પરંતુ ગુનો કરનાર પણ રાજકોટ પોલીસના જ અધિકારીઓ, સ્ટાફ હોવાથી તપાસમાં કોઈ ભરોસો નથી માટે મર્ડરની ફરિયાદની તપાસ સી.બી.આઈ.ને સોંપાવી જોઈએ.

યુવાન પુત્ર ગુમાવનાર દેવરાજભાઈએ એવો પણ ઉલ્લેખ કર્યો છે કે પોલીસે જે રીતે લૂંટ અને હત્યાની સ્ટોરી ઉભી કરી એ તથ્ય વીનાની છે. પોલીસ દ્વારા જ આચરવામાં આવેલા અત્યંત ક્રુર અને બરબરતા પુર્ણ ગુનાને કારણે સમાજનો અને પ્રજાજનોનો વિશ્વાસ લો એન્ડ ઓર્ડર ઉપરથી ઉઠી જવા પામે તેવી સ્થિતિ ઉભી થઈ છે. રાજકોટ પોલીસ તટસ્થ તપાસ કરશે નહીં અને ગંભીર ગુનો આચરનાર પોલીસને છાવરવામાં કોઈ કસર છોડવામાં આવશે નહીં. આ ગુનાની તપાસ સ્વતંત્ર એજન્સી સી.બી.આઈ. દ્વારા થવી અત્યંત આવશ્યક હોય તપાસ ટ્રાન્સફર કરીને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશનને સોંપવા હુકમ કરવા માગણી કરાઈ છે.

અરજીમાં એવા પણ આક્ષેપ થયા છે કે પી.આઈ.ગડુએ પુત્ર પ્રકાશના કાન પાસે ગન રાખી ફાયરીંગ પણ કર્યુ. પોલીસના ઢોરમારથી પુત્રનું મોત થયું છે. હાલ જેઓના પર આરોપો છે એ અધિકારીઓ પોલીસને કે મદદરૃપ થનારા સ્ટાફને તબદીલ કરવા અથવા તો ફરજ મોકુફ કરવા પણ માગણી કરાઈ છે. એડવોકેટ સંજય પંડિતના જણાવ્યા મુજબ અરજીના આધારે પોલીસ અધિકારીઓને સમન્સ કરાયાનું અને વધુ સુનાવણી તા.૧૩ના રોજ મુક્કરર કરાઈ છે.

ફરિયાદ સમયે અભિપ્રાય કેમ યાદ ન આવ્યો?
તપાસનીસ ટીમ દ્વારા હવે ધરપકડ કરવી કે આગળ શું કાર્યવાહી તે જાણવા માટે કાયદાકીય નિષ્ણાંત અભિપ્રાય લેવાનું નક્કી કરાયું છે. અભિપ્રાય બાદ પોલીસ આગળ ધપશે. હવે અભિપ્રાયની રાહે અટકાવેલી પોલીસની ફરિયાદ અને અરજીઓ સમયે જ અથવા તો તપાસ આગળ ધપાવતાં પહેલાં જ અભિપ્રાય લેવાનું કેમ ન સુઝયું એ પણ એક સવાલ છે. અભિપ્રાય લેવા પાછળ કેસ વધુ ઠોંસ કે મજબુત બનાવવાનો ઈરાદો કે પાછો ઠેલવવાનો ? તે અભિપ્રાય બાદ જ ખ્યાલ આવશે.

થોરાળા પોલીસને જ કેમ સોંપ્યા?
ક્રાઈમબ્રાન્ચના કહેવા મુજબ ધ્રાંગધ્રાથી લઈ આવ્યા બાદ આરોપીને થોરાળા પોલીસને સોંપ્યા હતા. પેંડો તો ભક્તિનગર પોલીસમથકના ગુનામાં વોન્ટેડ હતો. થોરાળામાં એકપણ ગુનો નથી તો પછી થોરાળા પોલીસને સોંપવાનું કારણ શું ? એ વીશે ખુદ તપાસનીસ ટીમ પણ ગડમથલમાં પડી છે. એસીપી સોલંકીના કહેવા મુજબ આરોપીઓને સોંપવા કે.કે.જાડેજાની ટીમ ગઈ હોવાનું કાનમિયાનું કહેવું છે જેથી કે.કે.જાડેજાનું નિવેદન લેવાયા બાદ સ્પષ્ટ થશે કે થોરાળા પોલીસને સોંપવાનું કારણ શું?


   Rajkot double murder case,Police arrest 5 fruitive including