યુપી: કોંગ્રેસ-સપા વચ્ચે ગઠબંધન!, આવતા સપ્તાહે થઈ શકે છે જાહેરાત

Header Banner

યુપી: કોંગ્રેસ-સપા વચ્ચે ગઠબંધન!, આવતા સપ્તાહે થઈ શકે છે જાહેરાત

  Fri Jan 06, 2017 16:05        Gujarati

ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ હવે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઈને વાતચીત સહમતી તરફ આગળ વધતી જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આગામી સપ્તાહની શરૂઆતમાં યુપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવ દિલ્હીમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાત કરી શકે છે. ત્યારબાદ કોંગ્રેસ અને સપા વચ્ચે ગઠબંધનનું એલાન થઈ શકે છે. પિતા મુલાયમ સિંહના જૂની સરખામણીમાં અખિલેશ જૂથ બળીયું જોવા મળી રહ્યા બાદ કોંગ્રેસ અને સપા વચ્ચે ગઠબંધનની સંભાવનાઓ વધી ગઈ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે 9 જાન્યુઆરીના રોજ અખિલેશ અને રાહુલની મુલાકાત થઈ શકે છે. જો કે કોંગ્રેસના નેતાઓ હાલ ગઠબંધન વિશે ખુલીને બહુ બોલતા નથી પરંતુ એટલુ જરૂર કહે છે કે સેક્યુલર પાર્ટીઓ દબાણમાં ચે અને તેમણે સાંપ્રદાયિક તાકાતો સામે એકજૂથ થવું જોઈએ. આ બાજુ તાજેતરમાં જ કોંગ્રેસના યુપી માટેના મુખ્યમંત્રી પદના ઉમેદવાર શીલા દિક્ષિતે પણ કહ્યું હતું કે ગઠબંધનની સ્થિતિમાં તેઓ અખિલેશ માટે રસ્તો છોડવા તૈયાર છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ એસપી અને કોંગ્રેસ વચ્ચે આ ગઠબંધનમાં પ્રિયંકા ગાંધીની પણ સલાહ લેવાઈ શકે છે. કહેવાઈ રહ્યું છે કે સમાજવાદી પાર્ટી તરફથી કોંગ્રેસને 90થી 105 સીટો મળી શકે છે. યુપીમાં 7 તબક્કામાં મતદાનની જાહેરાત બાદ હવે બંને પક્ષો વચ્ચે નીકટતા વધી ગઈ છે. ગઠબંધનને લઈને અખિલેશ યાદવે પ્રિયંકા ગાંધી સાથે વાત કરી છે અને રાહુલ ગાંધી વિદેશથી પાછા ફર્યા બાદ તેમની સાથે વાત થઈ શકે છે. એવું પણ કહેવાય છે કે જો સપામાં કોહરામ શાંત નહીં થાય તો કોંગ્રેસ અખિલેશ યાદવ સાથે જઈ શકે છે. એસપીના મોટા ભાગના વિધાનસભ્યો અને એમએલસી અખિલેશના સમર્થનમાં છે. 

એસપી-કોંગ્રેસનું માનવું છે કે ગઠબંધન દ્વારા મુસ્લિમ મતદારોને લલચાવી શકાય છે જેમના મત મેળવવા માટે બીએસપી સુપ્રીમો માયાવતી પણ પ્રયત્નો કરી રહ્યા છે. આવામાં બીએસપીની રણનીતિને માત આપવા માટે એસપી-કોંગ્રેસ એક સાથે થવા ઈચ્છે છે. માયાવતીએ અત્યાર સુધી 401 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં 97 મુસ્લિમો છે. કોઈ પણ પાર્ટી તરફથી ઉતારવામાં આવેલા મુસ્લિમ ઉમેદવારોમાં આ સંખ્યા સૌથી વધુ છે. આ ગઠબંધનથી સમાજવાદી પાર્ટીના મતદારો મનાતા મુસ્લિમો અને યાદવોનું સમર્થન સપાને જ મળી રહે તેવી સંભાવના છે. જો કે એ પણ જોવા જેવી વાત હશે કે સપાના બે ફાડચા પડતા કેટલા મતો કોને જશે.

એસપી અને કોંગ્રેસને આશા છે કે ગઠબંધન દ્વારા તેઓ મુસ્લિમો માટે એક મજબૂત વિકલ્પ બની શકે છે. જેનાથી બસપાની રણનીતિ પણ નિષ્ફળ જશે. આ ઉપરાંત 30 ટકા મોતને મહત્વના મનાય છે. 2014માં સામાન્ય ચૂંટણીઓમાં એસપીને 23 ટકા મતો મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસને 7 ટકા મળ્યાં હતાં. જો કોઈ ગઠબંધન કે પાર્ટીને 30 ટકાની આસપાસ મતો મળે તો તેઓ સરકાર બનાવી શકે છે. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં સપાને 29.1 ટકા મતો સાથે 224 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસે 11.7 ટકા મતો સાથે 28 બેઠકો કબ્જે કરી હતી.


   SP-Congress,announced next week,Congress alliance