મુલાયમ-અખિલેશ વચ્ચે સમાધાનમાં ‘અમરસિંહ’ વિધ્ન!, નેતાજીએ ટાળી પ્રેસ કોન્ફરન્સ

Header Banner

મુલાયમ-અખિલેશ વચ્ચે સમાધાનમાં ‘અમરસિંહ’ વિધ્ન!, નેતાજીએ ટાળી પ્રેસ કોન્ફરન્સ

  Fri Jan 06, 2017 15:46        Gujarati

સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે નવો વળાંક આવ્યો છે. ગુરુવાર અને શુક્રવારે સમગ્ર દિવસ દરમિયાન સમાધાનની કવાયત ચાલી પરંતુ હજુ કોઈ પરિણામ આવ્યું નથી. પાર્ટીના રાજ્યસભાના સાંસદ નરેશ અગ્રવાલે વિવાદ યથાવત રહેવા પાછળ અમરસિંહને જવાબદાર ઠેરવ્યાં. તેમણે કહ્યું કે જો અમરસિંહ ગઈ કાલે લખનઉ ન આવ્યાં હોત તો વિવાદનો ઉકેલ આવી જાત. પરંતુ હવે તેઓ આવી ગયા છે તો સમાધાન મુશ્કેલ છે. ત્યારબાદ મુલાયમ સિંહ યાદવે પણ એક પ્રેસ કોન્ફરન્સ કરવાની જાહેરાત કરી હતી પરંતુ ત્યારબાદ તેને રદ કરી હોવાના અહેવાલો આવ્યાં છે. કહેવાય છે કે વરિષ્ઠ નેતા આઝમ ખાનને ના પાડ્યા બાદ મુલાયમે પ્રેસ કોન્ફરન્સ રદ કરી. સૂત્રોના જણાવ્યાં મુજબ મુલાયમ સિંહ યાદવ આ પ્રેસ કોન્ફરન્સમાં અખિલેશ જૂથી અલગ ચૂંટણી લડવાની જાહેરાત કરવાના હતાં.


View image on Twitter
 

 

આઝમ ખાને ના પાડી પ્રેસ કોન્ફરન્સ માટે

સૂત્રોના જણાવ્યાં મુજબ આઝમ ખાને મુલાયમ સિંહને પ્રેસ કોન્ફરન્સ ન કરવા માટે મનાવ્યાં હતાં. કહેવાઈ રહ્યું છે કે આઝમ ખાન તરફથી પાર્ટીમાં સમાધાનની કોશિશો ચાલુ જ છે. આ પહેલા શુક્રવારે સવારે લખનઉ સ્થિત મુલાયમના ઘરે એક બેઠક યોજાઈ હતી. જેમાં અમર સિંહ ઉપરાંત શિવપાલ યાદવ પણ હાજર હતાં.

અત્રે જણાવવાનું કે એવું મનાઈ રહ્યું છે કે અખિલેશ જૂથ હાલ સંપૂર્ણ રીતે પક્ષ પર નિયંત્રણ કરવાની દિશામાં કામ કરી રહ્યું છે. જે અંતર્ગત અખિલેશના નજીકના ગણાતા રામગોપાલ યાદવ ચૂંટણી પંચની આજે મુલાકાત કરવાના છે. આ ઉપરાંત આજે શિવપાલ યાદવ અખિલેશ યાદવને મળવા માટે મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચ્યાં હતાં.

લખનઉ સ્થિત મુલાયમસિંહના નિવાસ સ્થાને આજે એક બેઠક યોજાઈ. બેઠકમાં અમરસિંહ ઉપરાંત શિવપાલ યાદવ પણ પહોંચ્યા હતાં. સૂત્રોના જણાવ્યાં મુજબ આ બેઠકમાં હાલની પરિસ્થિતિ પર ચર્ચા થઈ. અમરસિંહે ફરી એકવાર જણાવ્યું કે જો તેમના રાજીનામાથી આ વિવાદનો ઉકેલ આવતો હોય તો તેઓ તેના માટે તૈયાર છે. આ પહેલા શિવપાલ યાદવે અખિલેશની મુલાકાત કરી હતી.

 
View image on Twitter 

મુલાકાતમાં શિવપાલ યાદવે અખિલેશ યાદવને જણાવ્યું હતું કે તેઓ અમરસિંહના રાજીનામા માટે તૈયાર છે. એવો પણ સંદેશ આપ્યો હતો કે નેતાજી એટલે કે મુલાયમ સિંહે તેમને મળવા માટે બોલાવ્યાં છે. આ બાજુ મુલાયમને મળ્યા બાદ અમર સિંહ ખુબ જ ગંભીર દેખાતા હતાં. સામાન્ય રીતે મીડિયા સાથે હસીને વાત કરનાર અમરસિંહ એ સમયે નજર ઝકાવીને ચાલતા હતાં.

રામગોપાલ જશે ચૂંટણી પંચ, આપશે દસ્તાવેજો

રામગોપાલ યાદવ આજે બપોરે 3 વાગ્યે ચૂંટણી પંચ જવાના છે અને જરૂરી દસ્તાવેજો રજુ કરવાના છે. તેમના જણાવ્યાં મુજબ તેમના સમર્થનમાં જે વિધાનસભ્યો, એમએલસી અને સાંસદો છે તેમના હસ્તાક્ષરવાળો પત્ર તેઓ પંચને આપશે. શનિવારે પાર્ટી પદાધિકારીઓ અને કાર્યકર્તાઓના અખિલેશના સમર્થનમાં 5 હજાર વધુ સોગંદનામા ચૂંટણી પંચને અપાશે. રામગોપાલ યાદવે દાવો કર્યો કે સપાના 229 વિધાનસભ્યોમાંથી 212 ધારાસભ્યો અખિલેશ સાથે છે. 68માંથી 56 એમએલસી અને 24માંથી 15 સાંસદો અખિલેશ સાથે છે.

એક મીડિયા અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ગુરુવારે રાતે મુલાયમના ઘરે પરિવારના સભ્યોની બેઠક થઈ. જે સભ્યો સામેલ થયા તેઓ ગામડામાં રહે છે અને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. સૂત્રોના જણાવ્યાં મુજબ આ બેઠકમાં અખિલેશ ગયા નહતાં. અહેવાલો મુજબ અખિલેશે કહ્યું છે કે તેમણે ચૂંટણી લડવાની છે આથી ઉમેદવારોને નક્કી કરવાનો હક પણ તેમનો છે. એવા પણ અહેવાલો છે કે અખિલેશે કહ્યું છે કે ચૂંટણી બાદ તેઓ મુલાયમ માટે રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ છોડવા માટે તૈયાર છે. જો કે રાજકીય જાણકારોનું માનવું છે કે આ મુદ્દો રાષ્ટ્રીય અધ્યક્ષના પદ ઉપર જ અટક્યો છે. મુલાયમ જૂથ માને છે કે અખિલેશ આ પદ તરત છોડે. અત્રે જણાવવાનું કે મુલાયમ અને અખિલેશ બંને જૂથોએ ચૂંટણી પંચમાં ચૂંટણી ચિન્હ સાઈકલને લઈને દાવો રજુ કર્યો છે.


   Mulayam-Akhilesh settlement ,avoid obstacle,press conference